ગુજરાતીનો ઉદ્દભવ : પહેલી ભૂમિકા

           


           ( ૧ ) ગુજરાતીનો ઉદ્દભવ : પહેલી ભૂમિકા 

: ૧ : ગુજરાતી ભાષા વિશે આપણે વિચાર કરવા બેસીએ ત્યારે સૌથી પહેલાં એ વસ્તુ આપણું ધ્યાન ખેંચે કે ‘ ગુજરાતી ભાષા ’ એવો શબ્દપ્રયોગ તો છેક સત્તરમી સદીમાં પ્રેમાનંદના ' દશમસ્કંધ'માં આપણને જોવા મળે છે . તે પહેલાં ભાલણ પોતાની ભાષાને એક વખત 'ગુર્જર ભાષા ' તરીકે ઓળખાવે છે ખરો , પરંતુ સામાન્ય રીતે પ્રેમાનંદ સુધીના સર્વ કવિઓ પોતાની ભાષાને ' પ્રાકૃત ’ તરીકે ઓળખાવતા દેખાય છે.

         પણ આમાં કંઈ અસાધારણ નથી. બાળકનું જેમ નામ મોડું પડે તેમ ભાષાને પણ પોતાનું અલગ નામ મોડું મળે. ભાષાનું અલગ વ્યક્તિત્વ બંધાતાં અને સ્વીકારાતાં સમય લાગતો હોય છે . આમેય ભાષા એક સતત પરિવર્તનશીલ પદાર્થ છે . એના થતાં પરિવર્તનો અત્યંત ધીમાં અને લાંબા સમયપટ પર ફેલાયેલાં હોય છે . તેથી નવી ભાષાના ઉદ્દગમકાળ તરીકે સમયના કોઈ એક ચોક્કસ બિંદુ પર આંગળી મૂકવી અશક્ય છે . માત્ર અભ્યાસની સગવડ ખાતર બદલાતાં મહત્ત્વનાં ભાષાકીય વલણોને લક્ષમાં રાખીને આપણે ભાષાવિકાસના તબક્કાઓ વ્યાપકભાવે જુદા પાડી શકીએ ખરા ભાષાવિકાસની ધીમી ગતિને કારણે ભાષા બદલાઈ રહી છે એવો ભાસ થતો નથી અને પરિણામે ભાષાનાં જૂનાં નામો ભાષામાં ઠીકઠીક પરિવર્તન આવ્યા પછી પણ ચાલુ રહેતાં હોય છે .

             બીજી બાજુથી , ભાષા વિકાસ પામે તેની સાથે કે તેની પછી એના પ્રચારની ભૌગોલિક - રાજકીય સીમાઓ પણ ઘણી વાર બદલાતી હોય છે , અને ભાષાને નામ મળતું હોય છે ભૌગોલિક - રાજકીય સીમાઓથી . તેથી બદલાયેલાં નામો , ભાષાના સાતત્યને સમજવામાં અવરોધરૂપ બને એવો પણ સંભવ હોય છે .

 પરિણામે ગુજરાતી ભાષાનો ઉદ્ગમકાળ નક્કી કરવા માટે ભાષાના નામની ચિંતા કર્યા આપણે જોવાનું એટલું જ રહે કે આગળ દર્શાવ્યાં તે અપભ્રંશોત્તર ભૂમિકાનાં લક્ષણો ગુજરાતી ભાષાની પૂર્વપરંપરામાં ક્યારે અને ક્યાં પ્રગટ થતો દેખાય છે .

:૨ : અપભ્રંશોત્તર ભૂમિકાનાં ( આજની ગુજરાતીમાં સ્થિર થયેલાં ) કેટલાંક મહત્ત્વનાં લક્ષણો જેમાં સ્પષ્ટપણે વ્યક્ત થયાં હોય એવી સાહિત્યરચનાઓ બારમી-તેરમી સદીમાં આપણને મળે છે , જેમકે વજસેનકૃત ‘ ભરતેશ્વર - બાહુબલિ - ધોર ’( ઈ.સ. ૧૧૬૯ આસપાસ ) , શાલિભદ્રકૃત ‘ ભરતેશ્વર - બાહુબલિ - રાસ ' ( ઈ.સ. ૧૧૮૫ ) , ધર્મકૃત ‘ જંબુસામિચરિય ' ( ઈ.સ. ૧૨૧૦ ) અને વિજયસેનસૂરિકત રેવંતગિરિરાસુ ' ( ઈ.સ. ૧૨૩૦ આસપાસ ) . પણ સાહિત્યમાં પ્રતિષ્ઠિત બનેલાં લક્ષણો બોલચાલમાં તો ઘણાં વહેલાં આવી ગયેલાં હોય છે . એટલે અપભ્રંશોત્તરી ભૂમિકાનો આરંભ બારમી સદીથીયે વહેલો થયો હોવાનું ખુશીથી માની શકાય .

                આ માન્યતાનું સમર્થન કરે એવા કેટલાક સંકેતો પણ મળી આવે છે . જેમકે હેમચંદ્રના “ સિદ્ધહૈમ શબ્દાનુશાસન ' ( બારમી સદી ) ના અપભ્રંશ વ્યાકરણ વિભાગમાં દૃષ્ટાંત રૂપે જે દુહાઓ આપવામાં આવ્યા છે તેમાં અપભ્રંશોત્તર ભૂમિકાનાં ભાષાલક્ષણો પણ ક્યાંક - ક્યાંક ડોકાઈ જાય છે . એનો અર્થ એ થાય કે તત્કાલીન લોકબોલીમાં પરિવર્તન થઈ ચૂક્યું છે અને એની છાયા હેમચંદ્રે આપેલાં ઉદાહરણોની અપભ્રંશ ભાષા પર પડી છે . આ પહેલાં છેક ઈ.સ .૧૦૧૪ માં ભોજે પણ પોતાના ‘ સરસ્વતીકંઠાભરણ'માં ‘ ગુર્જરીના પોતાના અપભ્રંશ'નો ઉલ્લેખ કર્યો હતો ( पभ्रंशेन तुष्यन्ति चेन नंतेन गुरनारा :) . તે ઉલ્લેખ પણ સૂચવે છે કે ગુર્જરીની ભૂમિમાં અપભ્રંશોત્તર ભાષાભૂમિકાનો ઉદય થવા લાગ્યો હતો . આ રીતે , આજની ગુજરાતીની પૂર્વપરંપરાનો છેડો આપણને દશમી - બારમી સદીમાં દેખાય છે . એને ગુજરાતીનો ઉદ્દગમકાળ ગણી શકાય . 

 : ૩ : પણ અહીં એક હકીકત ખાસ ધ્યાન માગી લે છે . તે એ કે દશમી - બારમી સદીની આ ભાષા આજના ગુજરાતની સીમાઓ પૂરતી મર્યાદિત નહોતી . ગુર્જરો જુદુંજુદે સમયે પંજાબ , રજપૂતાનાં . મધ્ય ભારત અને ગુજરાતના ભાગોમાં વસતા રહ્યા છે , શાસન કરતા રહ્યા છે અને એ રીતે ગુર્જર દેશ –ગુજરાતની સીમાઓ આજથી ભિન્ન અને ઘણી વિસ્તૃત રહી છે . જોધપુરની અગ્નિદિશામાં આવેલું ‘ ભિન્નમાલ ' કે ‘ શ્રીમાલ ' છેક સાતમી સદીમાં ગુર્જરોની રાજધાની હોવાનું નોંધાયું છે . કનોજ , ધારા , અને પછી અણહિલવાડ પાટણ ગુર્જરશાસનનાં કેન્દ્ર બન્યાં છે . ઈ.સ. ૧૦૫૦ પછી ધારાનું પરમારશાસન તૂટે છે અને ભીમદેવ સારસ્વતમંડલનો રાજા બની . આજના ગુજરાતના ભાગોને એક ચક્ર નીચે લાવે છે ત્યારે એ ગુર્જરભૂમિ તરીકે ઓળખાય છે . પણ ત્યાર પદુર્ણય બારમી સદીમાં જયસિંહ સિદ્ધરાજ અણહિલવાડને રાજધાની રાખી ગુજરાત , જપૂતાના અને માળવાના પ્રદેશો પર રાજ્ય કરે છે . 

        પરિણામે , દેશમી - બારમી સદીમાં અપભ્રંશોત્તર ભૂમિકાની જે ભાષા ઉદ્દભવી તે એક વિશાળ પ્રદેશની ભાષા હતી – આજનાં ગુજરાત - રાજસ્થાન - માળવાના પ્રદેશની . સ્થૂળ રીતે કહેવું હોય તો છેક દ્વારકાથી માંડીને મથુરા સુધીના પ્રદેશની . એમાંથી આજની ગુજરાતી અને રાજસ્થાની ભાષા તથા મારવાડી , મેવાતી . જયપુરી , મેવાડી , માળવી , ખાનદેશી વગેરે બોલીઓ વિકસી છે . 

    આ સંદર્ભમાં એવો પ્રશ્ન સહેજે થાય કે આ ભાષાને ‘ ગુજરાતી ( ગુજરાતીની પહેલી ભૂમિકા કે પ્રાચીન ગુજરાતી ) કહી શકાય ખરી ? રાજસ્થાનીઓ એને પ્રાચીન રાજસ્થાની તરીકે ઓળખાવવાના . એ ભાષાને જુદાંજુદાં નામોથી ઓળખાવવાના પ્રયત્નો થયા છે , જેમકે તેસિતોરીએ એને ' પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની ' તરીકે , નરસિંહરાવે ' અંતિમ અપશ ’ કે ‘ ગૌર્જર અપભ્રંશ ' તરીકે , કે . હ . ધ્રુવે ‘ અપભ્રંશ ' કે ' પ્રાચીન ગુજરાતી ' તરીકે , કે . કા . શાસ્ત્રીએ ‘ ગુર્જર ભાષા ’ કે ‘ જૂની ગુજરાતી ’ તરીકે અને ઉમાશંકરે ‘ મારુ - ગુર્જર તરીકે ઓળખાવી છે .

       અપભ્રશોતર ભૂમિકાની આ ભાષાને ‘ અપભ્રંશ ' ( અંતિમ કે ગૌર્જર ) તરીકે ઓળખાવવામાં તો ભારે જોખમ છે , કેમકે એથી એ અપભ્રંશનો જ એક પ્રકાર લેખાઈ જાય અને નવી ભૂમિકાનો ઉદય થયો છે એ હકીકતનું વિસ્મરણ થાય . ‘ રાજસ્થાની ’ અને ‘ મારુ - ગુર્જર ’ એ આધુનિક સમયનાં નામો છે અને પ્રાચીન સમયની ભાષાકીય , પરિસ્થિતિને વ્યક્ત કરવા એ કેટલે અંશે કામ આવી શકે એ શંકાસ્પદ છે . ‘ રાજસ્થાન ત્યારે હતું જ નહીં અને “ મારુ ’ અને ‘ ગુર્જર'નો ભેદ શિષ્ટ કે સાહિત્યભાષાની કક્ષાએ નહોતો . ( ઈ.સ .૭૭૮ માં ઉધોતનસૂરિ ‘ કુવલયમાલા'માં મારુ , ગુજ્જર અને લાડની બોલીઓનો નિર્દેશ કરે છે . ) 

    હકીકમાં આઠમીથી અગિયારમી સદી સુધી પશ્વિમ રાજપુતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો ભાગ સંયુક્તપણે ‘ ગુજ્જરત્તા ’ કે ‘ ગુર્જરત્રા ' તરીકે ઓળખાતો હતો . તો એ સમયની ભાષાને ગુર્જર ભાષા કે ગુજરાતી ભાષા કહેવામાં શું ખોટું ? વળી . નપુંસકલિંગની જાળવણી જેવી કેટલીક બાબતોમાં આજની ગુજરાતીએ પ્રાચીન ભાષાભૂમિકાનો વારસો રાખ્યો છે . રાજસ્થાન પ્રદેશની ભાષા તો ખરેખર બીજી અસરો નીચે આવી સમગ્ર ભાષાવિસ્તારથી છૂટી પડે છે . એ બધું જોતાં ડૉ . ટી . એન . દવે , ડૉ . ભાયાણી જેવા વિદ્વાનો દશમી - બારમી સદીમાં ઉદ્ભવેલી વિશાળ પ્રદેશની આ ભાષાને ‘ ગુજરાતી ' ( કે ગુજરાતીની પહેલી ભૂમિકા કે પ્રાચીન ગુજરાતી ) ગૌણ બની રહે છે . કહેવાનું પસંદ કરે છે , જોકે ખરી પરિસ્થિતિ આપણા લક્ષમાં હોય તો નામનો પ્રશ્ન ગૌણ બની રહે છે

             ઊપર કહી તેવી રાજકીય પરિસ્થિતિ અને પ્રવાસશલ વેપારીવર્ગ તથા જૈન સાધુવર્ગના વર્ચસને કારણે ગુજરાત - રાજસ્થાનના પ્રદેશો પર ઈસ.ના લગભગ ચૌદમા સૈકા સુધી એક સહિયારી સાહિત્યભાષાની સ્થિતિ ચાતી રહે છે . એટલે પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની કે મારુ - ગુર્જર કે જૂની ગુજરાતીનો સમય આપણે ઈ.સ.ની દશમી - બારમી સદીથી ઈ.સ.ની ચૌદમી સદી સુધીનો ગણી શકીએ .

 : ૪ : આ ભાષાભૂમિકાનાં કેટલાંક મહત્ત્વનાં , ખાસ કરીને એને અપભ્રંશથી જુદી પાડતાં , લક્ષણો આ પ્રમાણે છે :

            ધ્વનિવિકાસની વાત કરીએ તો . ( ૧ ) અપભ્રંશના સંયુક્ત વ્યંજનો એકવડા બને , છે ( પાછળનો વ્યંજન રહે છે , અને એની પહેલાંનો સ્વરે દીર્ધ બને છે . જેમકે , સં . कर्मનું પ્રાકૃત - અપભ્રંશમાં कम्म થયું હતું , જૂની ગુજરાતીમાં એનું ‘ કામ ’ થાય છે . 

          ( ૨ ) સંયુક્ત વ્યંજનોમાં પૂર્વ વ્યંજન જ્યારે અનુનાસિક હોય ત્યારે એ લુપ્ત થાય છે અને દીર્ઘ થયેલો પૂર્વ સ્વર સાનુનાસિક બને છે . જેમકે સં . पश्च , પ્રા.-અપ. पंच , ગુ . ' પાંચ ' , આ રીતે સાનુનાસિક સ્વરોની શ્રેણીનો ધ્વનિતંત્રમાં ઉમેરો થાય છે . 

          ( ૩ ) અંત્ય ' ઉ'કાર - ખાસ કરીને અપભ્રંશના પ્રથમા - દ્વિતીયાના એકવચનના - નો ‘ એ ' થાય છે . જેમકે , સં . कुंभकार:, અપ . कुम्भआरूમાંથી 'કુંભાર ’ .

         ( ૪ ) અમુક ધ્વનિસંદર્ભમાં હુંકાર અને ‘ વકારનો લોપ થાય છે . જેમકે અપ . बारह > ગુ . ‘ બાર ' ; સં . लेखशाला, પ્રા.-અપ. लेहसाल, જૂ . ગુ . લેલાલ ' , અવ . ગુ . નિશાળ ' . ગાંધીજી'નો ‘ જી ' ( < जिअ <जीव) , ‘ આણલદેનો ‘ દે ’ ( <देई<देवी) માં ‘ વ’કારલોપ છે , જોકે એનો સમય નિર્મીત કરી શકાતો નથી .

         ( ૫ ) અમુક સંયોગોમાં પ્રથમ વર્ણ રૂપે રહેલા ' અ ' ' ઉ'નો અપભ્રંશમાં લોપ થતો . હતો તે પ્રક્રિયા ગુજરાતીમાં પણ નજરે ચડે છે : સં . શાક્ષેતિ , પ્રા.-અપ. ૭. ગુજ . છઈ ’ ‘ છે ' ; સં . आक्षेति, પ્રા.-અપ. अच्छई , ગુજ. ' છઈ ’ ' છે'; સં. अन्यदपी, પ્રા.- અપ. अन्नई, ગુ.'નઈ' 'ને’.અને સંપર્કમાં રહેલા . સ્વરોનો સંકોચ થવાની પ્રક્રિયા પણ ચાલુ રહે છે , આગળ વધે છે ઃ સં . अवपुरायती, પ્રા.-અપ. अवपुुरई , * ओउरई , ગુ . ‘ ઓરે ; અપ . करिअ > ગુજ . ‘ કરી ' ( સં . ભૂ.કૃ. ) ; અપ . થોકડ > ગુ . “ થોડું ' .

               રૂપવિકાસની વાત કરીએ તો , ( ૧ ) અપભ્રંશ સુધીમાં સંસ્કૃતનું વિભક્તિતંત્ર વિચ્છિન્ન થઈ ગયેલું અને સંસ્કૃતના પ્રત્યયો ઘસાઈ જતાં નવા વિભક્તિદર્શક અનુગોનો પ્રચાર થવા લાગેલો . જૂની ગુજરાતીમાં આ પ્રક્રિયા આગળ ચાલે છે . અને ' સિઉ' ' નઈ ' ' થિકઉ ' ' પાસિ' વગેરે નવા અનુગો પ્રચારમાં આવે છે. 

         ( ૨ ) ‘ છ ’ અને ‘ હો ’ અંગનાં પ્રાચીન રૂપો સહાયકારક તરીકે પ્રયોજાવા લાગે છે . અને કુદતમૂલક મિશ્ર કાળોની રચના થવા લાગે છે , જેમકે ‘ કરઇ છઈ * ઇત્યાદિ . 

          ( ૩ ) આ બન્નેને પરિણામે ગુજરાતીનું બંધારણ વધુ વ્યસ્તતા કે અશ્લિષ્ટતા ધરાવતું થાય છે.

          શબ્દભંડોળની દૃષ્ટિએ જોઈએ તો . ( ૧ ) ખુલ્લા અક્ષરો એટલેકે બે સ્વર વચ્ચે રહેલા વ્યંજનો બોલવાની ખાસિયતને કારણે સંસ્કૃત શબ્દો એમના અધિકૃત રૂપમાં અપનાવવાનું શક્ય બને છે . તેથી ગુજરાતીમાં સંસ્કૃત તત્સમ શબ્દોનો વપરાશ વધતો જાય છે . પ્રાકૃત અપભ્રંશકાળમાં સ્વર પછી આવતો બેવડો વ્યંજન જ ટકી શક્યો હતો . એકવડો વ્યંજન ઉચ્ચારી શકાતો નહોતો , જેથી वचनનું वयण થયું હતું ;હવે ‘ વચન’નું ઉચ્ચારણ થઈ શકે છે. 

           ( ૨ ) અપભ્રંશમાં અજ્ઞાત મૂળના “ દેશ્ય ’ શબ્દોનું ઘણું ભરણું થયેલું . આ પ્રક્રિયા ગુજરાતીમાં ચાલુ રહે છે અને અનેક નવતર શબ્દો – કદાચ ગુર્જરોની ભાષામાંથી આવે છે.

             ( ૩ ) રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોના પ્રમાણમાં પણ વધારો થાય છે .